ટ્રસ્ટ વિષે

અમારા વિષે

શ્રી ગોપાલ ગૌશાળા

શ્રી સંત દેવાભગત રામધૂન મંડળ અને ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ, રતનપુર સંચાલિત “ શ્રી ગોપાલ ગૌશાળા “ પોરબંદરથી ૭ કિ.મી. દૂર રતનપુર ગામે ૧૯૮૭ માં શરૂ કરવામાં આવી હતી. ઈ.સ. ૨૦૦૪ માં તેનું નવીનીકરણ શ્રીમતિ હંસાબેન ધનજીભાઈ દેવજીભાઈ તન્ના પરિવાર યુ.કે. દ્વારા કરાવી આપવામાં આવ્યું. આ સંસ્થા મુંબઈ પબ્લીક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ નીચે ચેરીટી કમિશ્નરમાં નોંધાયેલી છે.

આ સંસ્થામાં ગામની આસપાસ રખડતી-ભટકતી કચરો ખાતી ઘરડી, તરછોડાયેલી અને બિનવારસુ ગાયમાતાઓને લાવીને કાયમને માટે ગૌશાળા સંકુલમાં જ રાખી ફક્ત સેવાકીય હેતુથી સાચવવામાં આવે છે.

  • પ્રેરણામૂર્તિ

આજ ગામના પરમપૂજ્ય સ્વ. સંતશ્રી દેવાભગતે પોતાનું સંપૂર્ણ જીવન ભક્તિભાવ અને ગૌસેવામાં સમર્પિત કર્યું હતું. ગરીબ પરિવારમાં જન્મેલા શ્રીદેવાબાપા નાની ઉંમરથીજ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી એટલે જીવન નિર્વાહ માટે પ્રવૃત્તિ જરૂરી હતી. દિવસના કડીયાકામ કરી કુટુંબનું ભરણપોષણ કરાવતા અને રાત્રે હરિભજન. સમય મળ્યે ગામના યુવાનોનો સાથ લઈ ભૂખી ભટકતી ગાયમાતાઓ માટે લીલો ઘાસચારો ગામના ખેડૂતોના ખેતરમાંથી રાત્રે જાતે કાપી ખવડાવતા. તેમની એવી ઈચ્છા હતી કે નિઃસહાય ગાયમાતાઓ માટે એક વ્યવસ્થિત ગૌશાળા બનાવીએ તો ગૌધન સચવાય.

સમય જતાં ઈશ્વર કૃપાથી વિદેશથી એક દાતા શ્રીધનજીભાઈ તન્નાનો સંપર્ક થયો અને તેમણે દેવાબાપાનું સપનું સાકાર કરવાનું બિડું ઝડપી લીધું અને યુ.કે.માં વસતા આપણા ગુજરાતી ગૌપ્રેમી ભાઈઓના સહકારથી એક વિશાળ ગૌશાળા બંધાવી આપી. શ્રીધનજીભાઈએ આઝાદ ભારતની ચળવળમાં પણ ભાગ લીધેલો. તેઓ યુ.કે.ના રહેવાસી હતા અને હિન્દુ કાઉન્સીલના અધ્યક્ષ હતા. તેઓ વયોવૃદ્ધ હોવા છતાં દરવર્ષે ભારતમાં જાતે આવી સેવાકીય પ્રવૃત્તિઓનું નિરિક્ષણ કરતા. તેઓ ૯૪ વર્ષની ઉમરે ઓગષ્ટ ૨૦૧૯ માં સ્વર્ગવાસ થયા છે. પરમપૂજ્ય સંતશ્રી દેવાભગત પણ નવેમ્બર ૨૦૧૯માં દેવલોક પામ્યા છે. અમે બંને મહાનુભાવોના સપનાને ઉજાગર કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.

નિરાધાર અને અપંગ ગાયમાતાઓનું ઘર

  • ગૌશાળાનું નામ

શ્રીમતિ હંસાબેન ધનજીભાઈ દેવજીભાઈ તન્ના શ્રી ગોપાલ ગૌશાળા, રતનપુર.

  • સ્થાપના :ઈ.સ. ૧૯૮૭
  • નવનિર્માણ:ઈ.સ. ૨૦૦૪
  • ટ્રસ્ટ રજી. નં.:ઈ/૭/ પોરબંદર તા. ૧૭-૧૧-૨૦૦૦

આ ગૌશાળાનું સંચાલન ટ્રસ્ટીમંડળ દ્વારા ટ્રસ્ટના નિયમ અનુસાર કરવામાં આવે છે.

ટ્રસ્ટી મંડળ

પ્રમુખ શ્રી

શ્રી સામતભાઈ કરશનભાઈ મોઢવાડિયા (રતનપુર)

મંત્રી શ્રી

શ્રી રાજુભાઈ અરજનભાઈ ઓડેદરા (રતનપુર)

ખજાનચી

શ્રી કેશુભાઈ લીલાભાઈ ઓડેદરા (રતનપુર)

ટ્રસ્ટીઓ

શ્રી માલદેભાઈ ભીમાભાઇ ઓડેદરા(રતનપુર)
શ્રી વિરમભાઇ ભુરાભાઈ ઓડેદરા(રતનપુર)
શ્રી ભરતભાઈ પ્રેમજીભાઈ જોશી(રતનપુર)
શ્રી ગોગનભાઈ જીવણભાઈ કેશવાલા(રતનપુર)
શ્રી દેવશીભાઈ કરશનભાઈ ઓડેદરા(રતનપુર)
શ્રી ભરતભાઈ ખીમાભાઈ ઓડેદરા(રતનપુર)
શ્રી લખુભાઈ રાણાભાઇ ઓડેદરા(રતનપુર)
શ્રી દેવશીભાઈ કારાભાઈ ઓડેદરા(રતનપુર)

આ સંસ્થાની શરૂઆત ૧૯૮૭ માં કરવામાં આવેલી અને વર્ષ ૨૦૦૪ માં શ્રીમતિ હંસાબેન ધનજીભાઈ દેવજીભાઈ તન્ના પરિવાર લંડન યુ.કે. દ્વારા નવનિર્માણ કરાવી આપેલ છે. આ ગૌશાળામાં હાલમાં ફક્ત બિનવારસુ, નિરાધાર અને તરછોડાયેલી ગાય માતાઓને રાત-દિવસ ગૌશાળામાં જ રાખીને ગોવાળ પરિવારની દેખરેખ હેઠળ પાલન-પોષણ કરવામાં આવે છે. ટ્રસ્ટીમંડળના યુવાન સભ્યો માનદ સેવા આપી રહ્યા છે.

આ ગૌશાળાના આર્થિક ખર્ચને પહોંચી વળવા માટે ગામના નવયુવાનોનું એક યુવકમંડળ પણ બનાવવામાં આવ્યું છે, જેના દ્વારા મેળા-મંડપમાં સ્ટોલ-રાવટી રાખી ફંડ એકઠું કરી તથા સુખી સંપન્ન દાતાઓ દ્વારા મળતા ગૌદાનમાંથી ખર્ચ ઉપાડવામાં આવે છે. ટીપે-ટીપે સરોવર ભરાય અને કાંકરે-કાંકરે પાળ બંધાય “ તેમ નાની નાની રકમના દાનમાંથી ગૌસેવાનું મહાન કાર્ય થાય છે. અમોને ઈશ્વરે આ કાર્ય માટે નિમિત બનાવ્યા છે. સાચી સેવાતો દાતાઓની રહી છે. આપણા વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે “ગૌમાતાઓના શરીરમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે“ અને તેથીજ હિન્દુ ધર્મમાં ગાયને ‘ ગૌમાતા ‘ નું બિરુદ આપવામાં આવ્યું છે. સારા-નરસા પ્રસંગે ગાયમાતાનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર પંચગવ્ય તરીકે શોધવા જવું પડે છે. કોઈ જીવના મળ-મૂત્રનો ક્યાંય ધાર્મિક કાર્યમાં ઉપયોગ થતો નથી. ફક્ત ગૌમાતાઓના જ મળમૂત્રનો પવિત્ર વસ્તુઓ તરીકે ઉપયોગ થાય છે. અપવિત્ર જગ્યાને પણ પવિત્ર બનાવવા માટે ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે. જો ગાયના મળમૂત્રને આટલું પવિત્ર માનવામાં આવતું હોય તો જીવતી જાગતી ગાયમાતાની પવિત્રતા કોની સાથે સરખાવવી ? અને તેથીજ કૃષ્ણભગવાને ખુલ્લા પગે ગાયો ચરાવીને ગાયમાતાઓની સેવા કરવાથી કેટલું પૂણ્ય પ્રાપ્ત થાય તે સિદ્ધ કરી બતાવ્યું છે.

ખુદ ઈશ્વર જ ગાયમાતાની સેવા કરી પૂણ્ય મેળવતા હોયતો ઈશ્વરની પ્રાપ્તિ કરતાં પણ "ગાયમાતાની પ્રાપ્તિ" એ સેવા ઉત્તમ માની શકાય. ગૌમૂત્ર અને ગોબરમાં અનેક ગુણો રહેલાં છે. ગૌમૂત્રના નિયમિત સેવનથી કેન્સર, ડાયાબીટીસ, બ્લડપ્રેશર, ચામડીના રોગો, હાથપગના સાંધાના દુઃખાવા તથા અન્ય અસાધ્ય રોગો મટી શકે છે. ગાયના ઘીના સેવનથી હ્રદયરોગ પણ મટી શકે છે. તેમ ખુદ વૈજ્ઞાનિકોએ સાબિત કરી બતાવ્યું છે. વિદેશોમાં પણ હવે તો ગાયમાતાના દૂધ, દહીં, ઘી-ગૌમૂત્ર અને ગોબરને અપનાવતા થયા છે. સજીવ ખેતીમાં ભયંકર ઝેરી જંતુનાશક દવાની જગ્યાએ ગોબર અને ગૌમૂત્રનું દ્રાવણ બનાવી પાકમાં છાંટવામાં આવે છે. અને તેનું ખૂબજ સારું પરિણામ આવ્યું છે. એક સમય એવો આવશે કે ગૌમૂત્ર દૂધના ભાવે વેચાશે.

આપણા હિન્દુનો ધર્મ છે કે દરેક ઘરે એક ગાયમાતાતો હોવી જ જોઈએ. પરંતુ આવી મોંઘવારીના જમાનામાં અને શહેરોમાં ગાયમાતાને સાચવવી મુશ્કેલ બની જાય છે. તેથીજ તો જ્યાં જ્યાં આવી બિનવારસુ ગાયો સાચવવાની ગૌશાળા ચલાવવામાં આવતી હોય ત્યાં નિયમિત ગૌદાન કરીને ગૌસેવાનું મહાન પૂણ્ય મેળવવું જોઈએ.

આપણા શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય જાતિનો ધર્મ છે કે પોતાની કમાણીમાંથી ૧૦ ટકા રકમ દાન-પૂણ્યમાં વાપરવી જોઈએ જેથી બાકીની ૯૦ ટકા કમાણી પવિત્ર બની જશે. ૧૦ ટકા નહી તો ઓછામાં ઓછી ૧ ટકો આવક પણ જો દરેક મનુષ્ય ગૌદાનમાં વાપરે તો ગાયમાતાઓ જ્યાં ત્યાં ભટકે છે તે બંધ થઈ જાય. આમ “ફૂલ નહિ તો ફૂલની પાંખડી” રૂપે નિયમિત ગૌદાન કરી ગાયમાતાનું આપણી ઉપરનું ઋણ અદા કરી પૂણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ. નાના નાના માણસો પણ રોજબરોજના ચા, પાન-મસાલા, બીડી, તમાકુ વિગેરેથી સ્વાસ્થ્યને નુકશાન કરતા ખોટા ખર્ચા ઓછા કરી ગૌદાન કરે છે. “શક્તિ એવી ભક્તિ” પ્રમાણે ગૌદાન કરતા રહો તેવી શુભેચ્છા.

અમારું ધ્યેય

ગાય આપણી માતા છે અને તેને બચાવવી એ હિન્દુનો ધર્મ છે. ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. એટલુંજ નહિ ગાયને માતા સમાન ગણી તેનું પૂજન પણ કરવામાં આવે છે. પૂર્વકાળમાં બ્રહ્માજીએ યજ્ઞ કાર્ય કરવા તેમજ સમસ્ત વિશ્વના કલ્યાણ માટે અગ્નિકુંડમાંથી કપિલા ગાયને ઉત્પન્ન કરી હતી અને બ્રાહ્મણોને આપી હતી. બ્રહ્માજીની આજ્ઞાથી સર્વે દેવોએ ગાયના શરીરમાં નિવાસ કર્યો. આમ ૩૩ કોટિ દેવતાઓનો વાસ ગાયમાતાના શરીરમાં હોઈ તેનું રક્ષણ કરવું. ગૌધન બચાવવું અને કતલખાને જતી ગાયમાતાઓને રોકવી એ હિન્દુનો ધર્મ છે. આમ ધર્મને બચાવી વિશ્વના કલ્યાણ માટે ગૌમાતાઓનો નિભાવ કરવો હોયતો ગામડે-ગામડે ગૌશાળાઓ બનાવવી આવશ્યક છે.

ગાયમાતાનું દૂધ અમૃત સમાન છે. ગૌવંશથી જ આપણે આપણી ખેતીને બચાવી શક્યા છીએ. ગાય આપણને દૂધ આપે છે. તેના મળમૂત્રને પવિત્ર માનવામાં આવે છે. દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબરમાંથી પંચગવ્ય બનાવવામાં આવે છે. ધાર્મિક પ્રસંગો હવન-હોમ, યજ્ઞ, લગ્ન પ્રસંગે પંચગવ્ય વગર ચાલતું નથી. ખેતીમાં ગૌમૂત્ર અને ગોબરથી સજીવ ખેતી કરવામાં આવે છે અને પાકને જીવાતથી થતા નુકશાનમાંથી બચાવવા જૈવિક કે ઓર્ગેનિક ખેતી માટે જીવામૃત બનાવી પાક ઉપર છંટકાવ કરવામાં આવે છે. હાલમાં ભયંકરમાં ભયંકર ઝેરી જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર વાપરી ખેતીના પાકને ઝેરી બનાવતા અટકાવવા માટે પણ ગૌવંશને બચાવવું જરૂરી છે.

આમ ધાર્મિક પ્રવૃત્તિ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિ અને માનવજીવનના કલ્યાણ માટે પણ ગૌમાતાઓને બચાવી સમાજને સ્વસ્થ રાખવામાં આપણે સૌને કુદરતે કાંઈ આપ્યું હોયતો તેમાંથી થોડું પરમાર્થે વાપરવાથી જીવાત્માની સેવાનું મહાન પૂણ્ય પણ મેળવી શકાશે.

અમારી દ્રષ્ટિ

આપણા ધ્યેયને પાર પાડવા માટે આપણી પાસે લાંબાગાળાનું વિઝન એટલેકે દષ્ટિ હોવી જરૂરી છે. ભવિષ્યને ધ્યાનમાં રાખી સંસ્થાઓનું નિર્માણ અને હયાત સંસ્થાઓને ટકાવી રાખવાની પ્રવૃત્તિ માટે સૌનો સાથ અને સહકાર જરૂરી છે. પહેલાના જમાનામાં ઘરે ઘરે ગાય રાખવામાં આવતી હતી. પરંતુ હાલના સમયમાં શહેરોનો વિકાસ થતાં તેમાં ગાયને સાચવવી મુશ્કેલ બનતી જાય છે. તો આ પ્રજાતિને બચાવવા જ્યાં જ્યાં પણ આવી ગાયમાતાઓને સાચવવાની સંસ્થાઓ હોય ત્યાં આપણું કિંમતી ધનનું અનુદાન વાપરીશું તો યોગ્ય ગણાશે.

અમારી આપ સૌ સુખીસંપન્ન દાતાઓને નમ્ર અપીલ છે કે આ સંસ્થામાં આપનો કિંમતી ફાળો આપી અમારી પ્રવૃત્તિને ધબકતી રાખવામાં સાથ અને સહકાર આપી સહભાગી બનશો.

આપના દાનનો વિવિધ હેતુથી ઉપયોગ કરવા માટે અમે નીચેની યોજનાઓ બનાવી છે તો આપની ઈચ્છા અને અનુકૂળતા અનુસાર આપનું ડોનેશન જમા કરાવી સેવાનો લાભ લઈ શકો છો.

ગાયદત્તક યોજના

આ યોજનામાં કોઈ પણ વ્યક્તિ રૂl. ૩૫૦૦૦/- (પાંત્રીશ હજાર પૂરા) આપી એક ગાયદત્તક લઈ શકે છે. આ રકમને કાયમને માટે બેંકમાં “કાયમી ભંડોળ” માં સંસ્થાના નિયમ મુજબ ફિક્સ ડીપોઝીટ તરીકે રાખવામાં આવે છે. ફક્ત તેનું ત્રિમાસિક વ્યાજ જ દત્તક ગાયના નિભાવ ખર્ચમાં વાપરવામાં આવે છે. આપ તે ગાયનું નામ પણ પસંદ કરી શકો છો. આમ સંસ્થાના કાયમીભંડોળમાં આપનો સહયોગ કાયમને માટે રહેશે. અને વંશપરંપરા મૂંગી ગાયમાતાઓનાં આશીર્વાદ મળતા રહેશે.

કાયમી તિથિ યોજના

આ યોજનામાં જન્મતિથિ, લગ્નતિથિ, શુભદિવસ, આપના સ્વજનની પૂણ્યતિથિમાં રૂl.૨૧૦૦૦/- એકવખત આપી લખાવી શકો છો. આ રકમ પણ કાયમીભંડોળમાં રાખી વર્ષમાં જે તે દિવસે એક ટંકનું ભોજન આપના વતી ગાયમાતાઓને આપવામાં આવે છે.

સ્પેશ્યલ પ્રસંગે દાન

સમાજમાં આવતા વિવિધ શુભ પ્રસંગોએ પણ ગાયમાતાઓને યાદ કરી જમાડવા માટેની પણ વ્યવસ્થા અમારી યોજનામાં છે.

home

અમે શું કરીએ છીએ

ટ્રસ્ટનો હેતુ

ગૌ સેવા

ગૌશાળામાં ફક્ત નિરાધાર અને તરછોડાયેલી તથા ઘરડી, બિમાર અને બિનવારસુ, રખડતી-ભટકતી ગાયમાતાઓને કાયમને માટે ગૌશાળામાં રાખીને ફક્ત સેવાકીય હેતુથી નિભાવવામાં આવે છે. 24X7 ગોવાળ સહકુટુંબ અહીજ રહે છે. દુબળી અને બિમાર ગાયોને અલગથી રાખી સારવાર આપવામાં આવે છે.

સામાજિક પ્રવૃતિઓ

ગાયના દૂધને અમૃત તુલ્ય ગણવામાં આવે છે. તે પોષ્ટિક, આહારયુક્ત અને સંપૂર્ણ ખોરાક તરીકે પવિત્ર પણ માનવામાં આવે છે. તાજાં જન્મેલાં બાળકોને ફક્ત ગાયનું દૂધ જ આપવામાં આવે છે. જે માતાના દૂધ સમાન છે. બિમાર માણસોને ગાયનું દૂધ આપવાનું કહેવામાં આવે છે. પંચગવ્ય એટલે કે દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબરનાં-સારામાઠા પ્રસંગોએ ઉપયોગ કરવામાં આવે છે. અહીં તે ફ્રી આપવામાં આવે છે.

ધાર્મિક પ્રવૃતિઓ

ગાયમાતાનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. ગાયને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે. તેથીજ બહેનો "ગાય પૂજણી વ્રત" રહે છે. દિવસે બહેનો ગાયની પૂજા કરે છે અને લીલું ઘાસ વિગેરે ખવડાવે છે. મકરસંક્રાતિના દિવસે ગૌદાન કરવાથી ૧૦૦૦ ગણું પૂણ્ય માનવામાં આવે છે. ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે તેત્રીસ કરોડ દેવતાઓનો તેમાં વાસ હોય તેની સેવા કરવાથી જીવનું કલ્યાણ થાય છે.

0
સ્થાપના વર્ષ
0
ગાયો
0
ટ્રસ્ટીગણ
0
દત્તકગાયો